Site icon Revoi.in

કચ્છના દરિયામાંથી રૂ. 150 કરોડના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની ઝડપાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયા ઉપર છે. જેથી કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. આમ પાકિસ્તાનમાં બેઠેલા ટ્રગ્સ માફિયાઓ ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના પ્રયાસ કરતા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન કચ્છના જખૌ નજીકથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે આઠ પાકિસ્તાની નાગરિકોની રૂ. 150 કરોડથી વધુની કિંમતના 30 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેથી ભારતીય જળસીમામાં સુરક્ષા વધારીને પેટ્રોલીંગ તેજ બનાવવામાં આવ્યું હતું. દરમિયાન જખૌ બંદર નજીકથી શંકાસ્પદ હાલતમાં એક બોટ પકડી હતી. સુરક્ષા એજન્સીઓએ બોટમાં તપાસ કરતા અંદરથી 30 કિલોથી વધારે હેરોઈનનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ચોંકી ઉઠી હતી. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 150 કરોડથી વધારે હોવાનું જાણવા મળે છે. બોટમાંથી આઠ શખ્શોને ઝડપી લેવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં આ શખ્સો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ બોટ હજી પણ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં સંતાડવામાં આવેલી વસ્તુઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે.