રાજકોટ જિલ્લા પંચાયતની આઠ પ્રા. શાળાઓનો વહિવટ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે
રાજકોટઃ શહેરમાં આઠ જેટલી પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક હતી. હવે આ આઠેય શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક સમિતિ સંભાળી લીધો છે. આગામી દિવસોમાં હવે આઠ સ્કૂલોનો જરૂર પ્રમાણે કાયાપલટ કરાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા-વ્યવસ્થા વધુ સારી બને તે માટેના પ્રયાસો કરાશે.
રાજકોટ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 87 શાળામાં ધોરણ 1થી 8માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, ત્યારે વધારામાં રાજકોટ ગ્રામ્યમાં આવેલી અને જિલ્લા પંચાયત હસ્તકની વધુ 8 શાળાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1838 વિદ્યાર્થી અને 59 શિક્ષક સાથે આ સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપી છે. આગામી દિવસોમાં હવે આ ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સ્કૂલોની પણ જરૂર પ્રમાણે કાયાપલટ કરાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા-વ્યવસ્થા વધુ સારી બને તે માટેના પ્રયાસો કરાશે. શહેરમાં હાલ સમિતિની 87 શાળા કાર્યરત છે અને નવી 8 શાળા ભળતા હવે કુલ સ્કૂલની સંખ્યા 95 જેટલી થઇ છે.
આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આઠ જેટલી શાળાઓનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરાયો છે. આ અંગે નિયામકમાંથી પણ નિર્ણય કરી દેવાયો છે. હાલ શિક્ષકો આ સ્કૂલના જ રહેશે. અંદાજિત 1838 જેટલા વિદ્યાર્થી હવે ગ્રામ્યને બદલે શિક્ષણ સમિતિના સંચાલન હેઠળ અભ્યાસ કરશે. હાલ શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. વેકેશન ખૂલી ગયા બાદ સમિતિની ટીમ આ શાળાઓમાં વિઝિટ કરશે અને તમામ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક, વહીવટી સહિતની કઈ કઈ સુવિધાઓ ખૂટે છે કે વધારવાની જરૂર છે તેનો અભ્યાસ કરીને જરૂરી બદલાવ કરવામાં આવશે. આગામી દિવસોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સદસ્યો નવી ભળેલી શાળાની મુલાકાત કરશે. મુલાકાત બાદ આ શાળામાં શૈક્ષણિક અને વહીવટી સુધારાઓ કરશે. જરૂર પડ્યે શાળાના બિલ્ડિંગનું સમારકામ કરાશે.