મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને આગામી સરકારની રચના સુધી તેમના પદ પર ચાલુ રહેવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની સાથે જ નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવી ગયો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મંગળવારે પ્રસ્તાવિત ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ આજે નવા સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવશે. આ પહેલા સીએમ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પંવાર અને અન્ય નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં, મહાયુતિએ 288માંથી 235 બેઠકો જીતી હતી અને MVAએ 47 બેઠકો જીતી હતી. અપક્ષો અને AIMIM જેવા કેટલાક નાના પક્ષો માત્ર 6 બેઠકો જીતી શક્યા હતા. ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં ભાજપની આ સૌથી મોટી જીત છે. શિવસેના શિંદેએ 57 અને NCP અજિત પવારે 41 બેઠકો જીતી હતી. MVAમાં ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના માત્ર 20 સીટો જીતી શકી હતી. આ સિવાય કોંગ્રેસ 16 સીટો અને શરદ પવારની એનસીપી 10 સીટો પર ઘટી ગઈ હતી. સપાએ પણ બે બેઠકો જીતી હતી.