Site icon Revoi.in

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ લીધા શપથ, ફડણવીસ બન્યા ડેપ્યુટી CM

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યા બાદ એકનાથ શિંદેએ આજે મુખ્યમંત્રીપદના શપથ લઈને રાજ્યની ધૂરા સંભાળી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને મુખ્યમંત્રીપદના પદના શપથ લેવડાવ્યા હતા. જેપી નડ્ડા અને ભાજપના હાઈકમાન્ડના નિર્દેશ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા..

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણની સાથે જ મહારાષ્ટ્રમાં બે અઠવાડિયાથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષનો અંત આવ્યો છે. સરકારના અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ 3 જુલાઈના થઈ શકે છે. બંને જૂથના 3-3 મંત્રીઓ શપથ લઇ શકે છે.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો ચેન્જ કર્યો. એકનાથ શિંદેએ બાળા સાહેબ ઠાકરે સાથેની તેમની મુલાકાતની તસવીર ટ્વિટર પ્રોફાઈલમાં મુકી છે.

મહારાષ્ટ્રના રાજકિય ડ્રામાની વાત કરીએ તો છેલ્લાં કેટલાક દિવસોથી મહાવિકાસ અધાડી સરકારને પાડવાની આશંકા કરવામાં આવતી હતી. આમ તો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ રાજીનામું આપી દીધું હતુ, પરંતુ તેમની સરકાર તો થોડા દિવસ પહેલેથી જ અલ્પમતમાં આવી ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ મહાવિકાસ અધાડીને બહુમત નથી આપ્યો. ચૂંટણી પછી બીજેપી જ સૌથી મોટી પાર્ટી હતી. બીજેપી-શિવસેનાએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. તે માટે શિવસેનાએ બાળા સાહેબના વિચારોને પણ સાઈડમાં મુકી દીધા હતા.

આ દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું કે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. અમને લોકોને મહાવિકાસ અધાડી સરકારમાં કામ કરવામાં તકલીફ થતી હતી. આ વિશે અમે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી. અમે અમારી વાત સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બીજેપી સાથે અમારું નેચરલ ગઠબંધન હતું. અમે લોકો બાળા સાહેબના વિચારોને લઈને સરકાર તરફથી હિન્દુત્વનો નિર્ણય લીધો છે. નવી સરકાર બનાવવામાં અમારા કોઈને કઈ સ્વાર્થ નથી. મોટી પાર્ટી હોવા છતાં બીજેપીએ મને મોકો આપ્યો. દેવેન્દ્ર જીએ મોટું મન રાખ્યું. તે માટે હું તેમનો આભારી છું. હું વડાપ્રધાન મોજીજી. ગૃહમંભી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો આભારી છું.