રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે દોડાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે રોંગ સાઇડમાં એક્ટિવા લઇને આવતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. જેમાં 75 વર્ષના મનસુખલાલ ભાલોડિયા હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. અને તેથી વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા. જોકે, તે ગંભીર રીતે ઘાયલ થતાં સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષીય મનસુખલાલ ભગવાનજી ભાલોડિયા તેમના પત્ની રમાબેન કે જેઓ બીમાર હોવાથી હોસ્પિટલથી સ્કુટર પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કાર ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધ અને તેમનાં પત્નીને અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જેમાં વૃદ્ધ મનસુખલાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમનાં પત્ની રમાબેન ગંભીરરીતે ઘવાયા હતા. વૃદ્ધના પરિવારજનો દ્વારા અજાણ્યા કાર ચાલક સામે અકસ્માત સર્જી મોત નિપજવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હીટ એન્ડ રનના આ બનાવમાં કાર ચાલક મહિલા હોવાનું કહેવાય છે. પોલીસ સીસીટીવીના કૂટેજ મેળવીને કારચાલકની ભાળ મેળવી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક મનસુખલાલના પત્ની બીમાર છે અને પુત્ર લંડનમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.