મુંબઈઃ સામાન્ય રીતે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. વાત જાણે એમ છે કે, પરિવારમાં ચાલતા કલહથી કંટાળેલા વયોવૃદ્ધ પિતા પોતાના 62 વર્ષિય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યાં હતા. પુત્રવધુ દીકરા ઉપર અત્યાર ગુજારતી હોવાથી આ નહીં જોઈ શકતા વયોવૃદ્ધ માતા-પિતાએ પોતાના દીકરાને વૃદ્ધાશ્રમમાં મુક્યો હોવાનું જાણવા મળે છે.
તેમણે જણાવ્યું હતું કે દીકરાને તેની પત્ની હેરાન-પરેશાન કરે છે એટલું જ નહીં અવાર-નવાર મારપીટ પણ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી 62 વર્ષીય દીકરાની તબિયત ખરાબ છે તેમ છતા પત્ની તેની સાથે મારપીટ કરે છે. જેથી તેનું દુઃખ ન સહન થતા અંતે તેને વૃદ્ધાશ્રમમાં મુકવાનો નિર્ણય લીધો હતો. દીકરાને અહીં મુકવાનું દુઃખ થાય છે પરંતુ એ વાતનો આનંદ છે કે, અહીં તેની યોગ્ય કાળજી રાખવામાં આવશે.
વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે લગ્ન પછી પુત્રવધુ મારા દીકરાને પરેશાન કરતી હતી. તેમજ પુત્રવધુએ લગ્ન પછી અમારી સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો. પુત્ર અને પુત્રવધુના ઘરસંસારમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પડે એટલે અમે અલગ રહેવાનો નિર્ણય કર્યો. જોકે પુત્રએ માટે તૈયાર ન હોતો, પણ તેને અંતે સમજાવીને રાજી કરી લીધો હતો. લોકલાજને કારણે તેનો વ્યવહાર અત્યાર સુધી સહન કર્યો, પણ હવે સહન થતો નથી. તેમણે દાવો કર્યો હતો કે પૌત્ર પણ તેના પિતા પર હાથ ઉઠાવી ચૂક્યો છે.
(Photo-File)