નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય પણ માન્યતા અપાઈ ન હોય એવા નિયમોનો ભંગ કરનારા 2100 જેટલા રાજકીય પક્ષો સામે કાર્યવાહીનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કેન્દ્ર સરકારના ચૂંટણી પંચે કરી હતી. એ રાજકીય પક્ષોએ કૉન્ટ્રિબ્યુશન રિપોર્ટ ન આપ્યો હોય, નામ-હેડ ઑફિસ-સરનામું-હોદ્દેદારોમાં ફેરફાર વગેરે બાબતોની ચૂંટણી પંચને જાણ ન કરી હોય એવા અનેક નિયમોનો ભંગ કર્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 66 રાજકીય પક્ષોએ રિપ્રેઝન્ટેશન ઑફ ધી પીપલ ઍક્ટ હેઠળની વૈધાનિક-કાનૂની જરૂરિયાતો પૂરી કર્યા વગર નાણાકીય વર્ષ 2022માં ઇન્કમ ટૅક્સ એક્ઝેમ્પ્શન માગ્યું હતું અને 2174 પક્ષોએ કૉન્ટ્રિબ્યુશન રિપોર્ટ્સ સુપરત કર્યા નહોતા. કાનૂની જોગવાઈઓનું પાલન કર્યા વગર ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે પગલાં લેવામાં આવશે. ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા રજિસ્ટર્ડ હોય પણ માન્યતા ન અપાઈ હોય એવા ત્રણ રાજકીય પક્ષો સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. નોંધાયેલા હોય અને માન્યતા ન અપાઈ હોય એવા 87 રાજકીય પક્ષો અસ્તિત્વમાં જ નથી. એવા સંગઠનોને રાજકીય પક્ષોની યાદીમાંથી કાઢી નાખવા અને સિમ્બૉલ્સ ઓર્ડર હેઠળ મળતા લાભો પણ રદ કરાશે. ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં રાજકીય પક્ષોના આવકના સ્ત્રોત સહિતના મુદ્દાની પણ તપાસ કરવામાં આવી રહી છે.