ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઈલેક્શન પંચ ઈલેક્શન મોડમાં, 24 જિલ્લાના અધિકારીઓને તાલીમ
ગાંધીનગરઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.30મી ઓગસ્ટથી તા.2જી સપ્ટેમ્બર,2022 દરમિયાન ગુજરાતના 24 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.
આ તાલીમમાં ખાસ કરીને EVM-VVPAT હેન્ડ્સ ઑન અને ઍડમિનિસ્ટ્રેટીવ, વિડ્રોઅલ ઑફ કેન્ડિડેચર એન્ડ એલોટમેન્ટ ઑફ સિમ્બોલ, પેઈડ ન્યુઝ અને MCMC, મોડલ કોડ ઑફ કંડક્ટ, પોલિંગ પાર્ટી અને પોલ ડે અરેન્જમેન્ટ, સર્વિસ વોટર પોર્ટલ, EMS, ETPBS, NGRS, ઓબ્ઝર્વર પોર્ટલ, આઈ.ટી. એપ્લિકેશન (નોમિનેશન, પરમિશન, પોલ ડે અને કાઉન્ટિંગ વગેરે), સ્ક્રુટીની ઑફ નૉમિનેશન અને પોસ્ટલ બેલેટ સહિતના અનેકવિધ વિષયોની સઘન તાલીમ આપવામાં આવી રહી છે.
ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. અમદાવાદના સ્પીપા ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદમાં સ્પીપા ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, નર્મદા, આણંદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના મળી 86 તથા સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાના મળી 89 ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ 175 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.