મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યમાં 16.42 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ રહીછે. તા. 17મી નવેમ્બર, 23 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. છત્તીસગઢમાં બે તબક્કામાં તા. 7 અને 17મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં તા. 3 ડિસેમ્બરના રોજ મત ગણતરી યોજાશે.
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, કુલ 16.14 કરોડ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ વખતે 60.2 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગાણામાં 3.17 કરોડ, છત્તીસગઢમાં 2.03 કરોડ અને મિઝોરમમાં 8.52 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પાંચેય રાજ્યોના મતદારોને વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે.
પાંચ રાજ્યોની કુલ 679 વિધાનસભા બેઠક ઉપર મતદાન થશે. મધ્યપ્રદેશમાં હાલ ભાજપાની સરકાર છે. જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે બીઆરએસની સરકાર છે. મિઝોરમમાં જોરમથંગાની મિઝો નેશનલ ફ્રન્ટનું શાસન છે. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ આગામી જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થાય છે. જ્યારે મિઝોરમમાં 17મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં યોજાયેલી પાંચેય રાજ્યોની ચૂંટણીની તારીખો 6 ઓક્ટોબરના રોજ જાહેર થઈ હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક તબક્કામાં જ મતદાન યોજાયું હતું. પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 11મી ડિસેમ્બરના રોજ જાહેર કરાયાં હતા.