આજે બપોરે 12.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ-કોન્ફરન્સ, દેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ પ્રથમવાર મતગણતરી પહેલા પ્રેસ કોન્ફરન્સ
લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા પહેલીવાર બની રહ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. મત ગણતરીના એક દિવસ પહેલા એટલે કે આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી જે 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી.
ચૂંટણી પંચ દ્વારા મીડિયાને મોકલવામાં આવેલા આમંત્રણમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024 પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. છેલ્લી લોકસભા ચૂંટણી સુધી નાયબ ચૂંટણી કમિશનર દરેક તબક્કાના મતદાન પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા પરંતુ હવે આ પ્રથા નાબૂદ કરવામાં આવી છે.
મતગણતરી પહેલા પત્રકાર પરિષદ
4 જૂનની લોકસભા ચૂંટણીની મતગણતરીનાં એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે બપોરે 12.30 કલાકે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે. દેશના ચૂંટણી ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીના અંતે પત્રકાર પરિષદ બોલાવી હોય.
જયરામ રમેશે કર્યા હતા આક્ષેપો
નોંધનિય છે કે, રવિવારે ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ પાસેથી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા તેમના જાહેર નિવેદન માટે તથ્યપૂર્ણ માહિતી અને વિગતો માંગી હતી.જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 150 જિલ્લા અધિકારીઓ-કલેક્ટરો સાથે ફોન પર વાતચીત કરી છે. જે ખુલ્લેઆમ અને બેશરમ રીતે ધમકી આપવા જેવું છે..આ બતાવે છે કે બીજેપી કેટલી હતાશ થઇ ગઇ છે.