દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ કેટલાક હેકર્સ દ્વારા હેક કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આરોપીઓ દસ હજારથી વધારે નકલી મતદાર આઈડી કાર્ડ બનાવ્યાં હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ચાર સગીરોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. બીજી તરફ તમામ ડેટા સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો ચૂંટણીપંચે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ પોલીસે નકલી મતદાર આઈડી કાર્ડ પ્રકરણમાં વિપુલ સૈનની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન મધ્યપ્રદેશના અરમાન મલિકના ઈશારે કામ કરતો હોવાની કબુલાત કરી હતી. તેમજ તેણે 3 મહિનામાં 10,000 થી વધુ નકલી મતદાર આઈડી બનાવ્યા હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. આ પ્રકરણમાં મધ્યપ્રદેશ પોલીસને 18 વર્ષીય હરિઓમ સિંહની સંડોવણી વિશે માહિતી આપી હતી. હરિઓમ સિંહ આરોપી વિપુલ સૈનીના સીધા સંપર્કમાં હતો. તેમજ અન્ય લોકોને વેચવા માટે આઈડી રાખતા હતા. આ પ્રકરણમાં પોલીસે વધારે ચાર કિશોરની અટકાયત કરી છે.
પોલીસે જણાવ્યું કે અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકો ગરીબ પરિવારોમાંથી છે અને શાળા છોડી દીધી છે. તે ઝડપી પૈસા કમાવવા માટે ટોળકીનો સભ્ય બન્યો. સમગ્ર પ્રકરણમાં પોલીસે અરમાન મલિકને ઝડપી લેવા કવાયત આરંભી છે. સમગ્ર રેકેટનો અરમાન માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં તેના બેંક એકાઉન્ટમાં રૂ. 60 લાખ મળી આવ્યાં હતા. પોલીસે આ બંકમાં નાણા-લેવડ બંધ કરાવી દીધી છે.