અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સંચાલન માટેના સ્કૂલ બોર્ડના ચેરમેન અને 12 સભ્યોની વરણી માટે 5 ઓગસ્ટના રોજ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે જો કે માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે અને સૌથી વધુ ભાજપના કોર્પોરેટર હોય તેમના જ ઉમેદવાર સભ્યો બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સ્કુલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના જ કોઈ પૂર્વ કોર્પોરેટરને ચેરમેન તરીકે સ્થાન મળે તેવી શકયતા લાગી રહી છે. સભ્યપદ મેળવવા માટે પણ ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપના નેતાઓનું લોબિંગ શરૂ થશે. વિપક્ષ કોંગ્રેસના અને AIMIMના એકપણ સભ્ય આ વખતે સ્કૂલબોર્ડમાં સ્થાન નહીં મેળવી શકે તે લગભગ નિશ્ચિત છે.
AIMIM કે કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવા કે કેમ તે હજી નિર્ણય લીધો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની વરણી થયા બાદ વિવિધ કમિટીઓની રચના લાંબા સમય બાદ કરવામાં આવી હતી. કોરોના કાળના કારણે વિવિધ કમિટીઓની મોડી વરણી બાદ હવે સ્કૂલબોર્ડની રચના કરવામાં આવશે.
સ્કૂલબોર્ડમાં 15 સભ્યોની કમિટી હોય છે જેમાં 3 સભ્યો DEO ના હોય છે અને બાકીના 12 સભ્ય તરીકે કોઇ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો જ ઉમેદવારી કરતા હોય છે.
આગામી 5 ઓગસ્ટના રોજ સ્કૂલબોર્ડમાં 12 સભ્યની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 22મી જુલાઇ સુધીમાં ઉમેદવારી પત્રો રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ 29મી જુલાઇએ મેયરની ઓફિસમાં તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. બાદમાં 5 ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજાશે. સાંજે સાડા છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી સ્કૂલબોર્ડમાં પણ તેમના જ સભ્યોની વરણી કરાય તેવી પુરી શક્યતાઓ છે. જેમાં ચેરમેન તરીકે પૂર્વ કોર્પોરેટરની નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના જણાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ગત વખતે કોંગ્રેસના સભ્યો પણ હતા. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ માટે હજી સુધી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી તો સ્કૂલ બોર્ડમાં સભ્યપદ માટે કરશે કે કેમ? આ વખતે પ્રથમવાર ચૂંટાયેલાં ઔવેસીની પાર્ટીનાં કોર્પોરેટરો સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેમનો ઉમેદવાર ઉભો રાખશે તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.