પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના ચેરમાન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આગામી તા. 2જી જુનને શુક્રવારના રોજ યોજાશે. આમ તો ભાજપ જે વ્યક્તિ માટે મેન્ડેડ આપશે તે જ ચેરમેન અને વાઈસ ચેરમેન તરીખે ચૂંટાશે. ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. અગાઉ અઢી વર્ષની પ્રથમ ટર્મમાં શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ આરૂઢ હતા, હાલ મોટાભાગના ડિરેક્ટર શંકરભાઈને ફરીવાર ચેરમેન બનાવવાના પ્રયાસો કરી તેમના તરફેણમાં જોવા મળી રહ્યા છે. પણ શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષના મહત્વના પદ પર બિરાજમાન હોવાથી અન્યને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસ ડેરીમાં નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન વાઇસ ચેરમેનની 2જી જૂને વરણી કરાશે. જાકે હવે સહકારી ક્ષેત્રે પણ ચૂંટણીમાં રાજકીય મેન્ડેડની ફાળવણી કરવામાં આવતી હોઇ આ ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બનવા માટે સહકારી આગેવાનો ભાજપના મેન્ડેડ મેળવવા લોબિંગ શરૂ કર્યું હોવાનું કહેવાય છે. બનાસ ડેરીના વર્તમાન નિયામક મંડળમાં પ્રથમ ટર્મના ચેરમેન તરીકે વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઇ રબારીએ તા.7 ઓકટો.2020એ ચાર્જ સંભાળ્યો હતો. જાકે હવે 3 મેના ના રોજ પ્રથમ ટર્મ ના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિયુક્તિ ચૂંટણી અધિકારી તરીકે પાલનપુર પ્રાંત અધિકારીની નિયુક્તિ પ્રક્રિયા કરી ડેરીના નવા સુકાનીની વરણી પ્રકિયા હાથ ધરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બનાસ ડેરી દ્વારા હાથ ધરાશે જેમાં એજન્ડાની પ્રસિદ્ધિ, એજન્ડાની જાણ કરવી અને ચૂંટણી સંપન્ન કરવી ત્યાં સુધીની પ્રક્રિયા બનાસ ડેરી કરશે. પ્રાંત અધિકારી ઉમેદવારી સ્વીકારવા ઉપરાંત માત્ર ચેરમેન વાઇસ ચેરમેનના ટેકો આપનાર અને દરખાસ્ત આપનારની ખરાઈ કરી પ્રક્રિયા સંપન્ન કરશે. કહેવાય છે. કે. ભાજપ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ બંધ કરવામાં કમલમમાંથી આવશે. એટલે જે નક્કી હશે તેજ ચેરમેન અને વાઈસ ચેરમેનનો તાજ પહેરી શકશે.