ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી 26 બેઠકો માટે ચૂંટણી જાહેર
નવી દિલ્હીઃ ચૂંટણીપંચે લોકસભાની સાથે ગુજરાત સહિતના રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની 26 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. બિહારમાં વિધાનસભાની અગિઆંવ બેઠક ઉપર 1 જૂનના રોજ, ઝારખંડમાં ગાંડેય વિધાનસભા બેઠક ઉપર 20મી મે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની અકોલા વેસ્ટ બેઠક ઉપર 26મી એપ્રિલ, ત્રિપુરામાં વિધાનસભાની રામનગર બેઠક ઉપર 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની દદરોલ બેઠક ઉપર 13મી મે, લખનૌ પૂર્વ ઉપર 20મી મે, ગેંસડી બેઠક ઉપર 25મી મે અને દુદ્ધી બેઠક ઉપર 1લી જૂનના રોજ મતદાન યોજાશે. આવી જ રીતે પશ્વિમ બંગાળ વિધાનસભાની ભગવાંગોલા બેઠક ઉપર 7 મે અને બારાનગર બેઠક ઉપર 1 જૂનના રોજ ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાધોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક ઉપર 7મી મે, હરિયાણા વિધાનસભાની કરનાલ બેઠક ઉપર 25મી મે, તેલંગાણા વિધાનસભાની સિકંદરાબાદ કેન્ટ બેઠક ઉપર 13મી મેના રોજ ચૂંટણી યોજાશે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ધર્મશાળા બેઠક ઉપર 13મી મે, લાહોલ-સ્પિતિ, સુજાનપુરા, બડસર, ગાગરેટ અને કુટલેહડ બેઠક ઉપર 1 જૂનના રોજ, રાજસ્થાન વિધાનસભાની બાગીડોર બેઠક ઉપર 26મી એપ્રિલના રોજ, કર્ણાટક વિધાનસભાની શોરાપુર બેઠક ઉપર 7મી મે અને તમિલનાડુ વિધાનસભાની વિલાવાનકોડ બેઠક ઉપર 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકો ઉપર લોકસભાની સાથે જ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. તેમજ 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.