સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભાજપનું વર્ચસ્વ સારૂએવું છે. મોટાભાગની તાલુકા પંચાયતો બાજપના કબજામાં છે. સાંસદ અને ધારાસભ્યો પણ ભાજપના છે. છતાં જ્ઞાતિના સમીકરણને લીધે કેટલાક ગામોમાં કોંગ્રેસનું જોર રહ્યું છે. જિલ્લાના ગામડાઓ પણ વર્તમાન સમયે વિકાસની હરણફાળ ફરી રહ્યા છે. લાખોની ગ્રાન્ટો આવતા આજે ગામડા પણ સુવિધાઓથી સજ્જ થયા છે. જિલ્લાના 498 ગામડામાં સરપંચની મુદત પૂરી થઇ રહી છે. જેથી ડિસેમ્બરમાં તમામ ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાને કારણે અત્યારથી જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. સરપંચની ચૂંટણી રાજકીય પક્ષના બેનર નીચે નથી લડાતી છતાં ભાજપ, કોંગ્રેસ બંને પોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે કવાયત કરતા થઇ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગામડાંઓમાં સરપંચોનું વર્ચસ્વ હોય છે. સરપંચ એટલે ગામના રાજા માનવામાં આવે છે. વર્તમાન સમયે સરકાર દ્વારા સરપંચોને મોટી રકમની ગ્રાન્ટની સાથે ઘણી બધી સત્તાઓ પણ આપવામાં આવી છે. જિલ્લાના 498 ગામના સરપંચની મુદત પૂરી થતા ડિસેમ્બરમાં તમામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. ગ્રામપંચાયતના સરપંચોની બેઠકો પર ઇવીએમના સ્થાને મતપેટી અને બેલેટ પેપરના ઉપયોગથી મતદાન થવા જઇ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો કાયમ રહ્યો હતો. ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં તમામ પક્ષો જે આગામી વિધાનસભાની તૈયારીઓ કરી રહ્યા છે ગ્રામ્યકક્ષાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા પોતાના સમર્થક સરપંચ આવે તેવા પ્રયાસો કરશે. આમ ભાજપ અને કોંગ્રેસ માટે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં લોકોનો કોની તરફ ઝોક રહેશે તે પણ નક્કી થશે. બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને મળતું 2001 અગાઉ અપાતા 1000 અને 2000ની જગ્યાએ સરકારે ઓક્ટોબર-2001થી સમરસ ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપવા 1 લાખ સુધીનું અનુદાન આપવાનું નક્કી કરાયું છે. જ્યારે મહિલા સમરસ ગ્રામપંચાયતને બે ગણુ એટલે કે 2 લાખ અનુદાન મળે છે. જિલ્લામાં 498 ગ્રામપંચાયતની બેઠકો પર ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. મહિલાઓને મળતી 50 ટકા અનામતની બેઠકો છે.જ્યારે જે તે કેટેગરીમાં પણ મહિલાઓને 50 ટકા અનામત છે. આથી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો અને મહિલા મતદારો પણ મહત્વનો ભાગ ભજવશે.