ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્, જેટલો સમય બાકી છે ત્યારે સેમી ફાઈનલ ગણાતી 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. જેના માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.
રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે અને આ સાથે જ રાજ્યની આશરે 1000 જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ડીસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. અપૂરતા EVMને કારણે ચૂંટણી પંચે આ ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની યોજના બનાવી છે. રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી અઠવાડિયે ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે.
ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે. સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી – તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેને ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 10,315 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.