Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણી રસાકસીભરી બનશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણી ભારે સરાકસીભરી બનશે. અગાઉ 6 બેઠકો બિનહરીફ થઈ છે, જયારે બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેદવારોની આખી યાદી જાહેર કરી દેવામા આવી છે. હાલમાં બે બેઠકો માટે જ ચૂંટણી યોજાવવાની છે અને તેમાં પણ સંચાલક મંડળની બેઠક માટે ભારે રસાકસી જોવા મળશે. 24 સપ્ટેમ્બરના રોજ મતદાન થાય તે પહેલા મહતમ મતદારોને પોતાની તરફેણમાં મતદાન માટે રીઝવવા પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 સભ્યોની ચૂંટણી અંગેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 3 સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામા આવી હતી. ત્યારબાદ 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ફોર્મ પરત ખેંચવા માટેનો સમય આપવામાં આવ્યો છે. ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ ત્યારે ચાર બેઠકો બિનહરીફ થઈ હતી. જયારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થઈ ત્યારે વધુ બે બેઠકો બિનહરીફ થઈ છે. જયારે વાલીમંડળની બેઠક પર એકપણ ઉમેદવાર બાકી ન રહેતા તે બેઠકની ચૂંટણી યોજાશે નહીં. આમ, હવે માત્ર સંચાલક મંડળ અને સરકારી શાળાના શિક્ષક એમ બે જ બેઠકો માટે ચૂંટણી યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં હવે બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાઈ છે. આ યાદી સામે ચૂંટણી જંગમાં બાકી રહેલા ઉમેદવારો અંગેનુ ચિત્ર સ્પષ્ટ થયેલ છે. બે બેઠકો માટે 24 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ બે દિવસ પછી એટલે કે 26 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને તે જ દિવસે પરિણામની જાહેરાત કરાશે.

શિક્ષણ બોર્ડની 9 બેઠક પૈકી ઉચ્ચતર બુનિયાદી શાળાના આચાર્ય – શિક્ષકની બેઠક, માધ્યમિક શિક્ષકની બેઠક, બી.એડ. પ્રિન્સિપાલની બેઠક,  ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક, આચાર્યની બેઠક અને વહીવટી કર્મચારીની બેઠક બિનહરીફ થઈ છે. જયારે સંચાલક મંડળની બેઠક એક બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારો દ્વારા મતદારોને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે રીઝવવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. બે બેઠકો પૈકી સંચાલક મંડળની બેઠક માટે ભારે રસરકસી જોવા મળી રહી છે.