અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે. રાજ્યના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા 500થી વધારે બેઠકનો ટાર્ગેટ નક્કી કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી શાસન કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહ્યું છે. ત્યારે આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો શરૂ કર્યો છે. કોંગ્રેસ દ્વારા શહેરીજનોની સમસ્યાને વાચા આપવામાં હેલ્લો કેમ્પેનિંગ શરૂ કર્યું છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ મતદારો સુધી સરકારની કામગીરી પહોંચવાના પ્રયાસો શરૂ કરાયાં છે.
ભાજપ દ્વારા ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 576 બેઠકો પૈકી પાર્ટીએ 500 પ્લસ બેઠકોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો ટારગેટ પ્રમાણે બેઠકો મળશે તો વિપક્ષનું સ્થાન નહીંવત થઇ જવાની સંભાવના છે. 2015ની ચૂંટણી સમયે ભાજપને અમદાવાદમાં 140 બેઠકો મળી હતી. આ વખતે પાર્ટીએ 172 પ્લસનું ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જ્યારે સુરતમાં 120 બેઠકો મેળવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાતના શહેરી વિસ્તારમાં મતદારો ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં શહેરી વિસ્તારમાંથી ભાજપને 50.13 અને કોંગ્રેસને 41.12 ટકા મત મળ્યાં હતા. તેમજ નગરપાલિકામાં ભાજપને 44.69 ટકા અને કોંગ્રેસને 39.59 ટકા મતો મળ્યા હતા. જ્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સફળતા મળી હતી.