અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા પાટનગર ગાંધીનગરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ નિર્ણય અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુક્યાં છે. દરમિયાન રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજાય તો કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની શક્યતાઓ છે. તેથી આ તબક્કે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની, અન્ય સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય અથવા જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ હોય તેવી તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટમી પ્રક્રિયા કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 15મી મે સુધી મુલત્વી રાખવા રાજય સરકાર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુક્મ-ચુકાદાના અનુસંધાને હાથ ધરાયેલી હોય તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને આ જાહેરનામાથી મુકત રાખવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે અનેક એપીએમસીના હોદ્દેદારો અને વેપારીઓ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખીને આંશિક લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે.