ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના ચાર સાંસદો પરશોત્તમ રૂપાલા, માનસુખ માંડવિયા, નારણ રાઠવા, અને અમીબેન યાજ્ઞિકની મુદ પૂર્ણ થતી હોવાથી ચારેય બેઠકોની ચૂંટણી આગામી તા, 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી તમામ બેઠકો પર ભાજપનો વિજય નિશ્વિત છે.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 સહિત 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તમામ 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ રહ્યો છે. દેશમાં રાજ્યસભાના સાંસદોની 56 બેઠકોની 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ગુજરાતમાં રાજ્યસભાની કૂલ 11 બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્યો નિવૃત્ત થતાં હોવાથી ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. જોકે ગુજરાતના વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપનાં રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં રાજ્યસભાની 56 બેઠકોની ચૂંટણીમાં સૌથી વધુ 10 બેઠક ઉત્તરપ્રદેશની છે. મહારાષ્ટ્ર અને બિહારની 6 – 6 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 5-5 બેઠક છે. કર્ણાટક અને ગુજરાતની 4 – 4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ સિવાય તેલંગાણા અને રાજસ્થાન તથા ઓડિશાની ૩-૩ બેઠક પર મતદાન થશે. છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલની 1-1 બેઠક પર મતદાન થશે. રાજ્યસભાની 56 બેઠક પર 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને એ જ દિવસે પરિણામ આવશે. ચૂંટણીપંચ 8 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 16મી ફેબ્રુઆરી છે. ઉમેદવારો 20મી ફેબ્રુઆરી સુધી તેમનાં નામ પાછા ખેંચી શકશે.