ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી 24મી જુલાઈએ યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં 18મી ઓગસ્ટના રોજ રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદત પુરી થતાં 24મી જુલાઇએ આ ત્રણેય બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના 156 ધારાસભ્યો ધરાવતા ભાજપના ત્રણેય ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં પણ વિજયી થવાની પુરેપુરી શક્યતા છે. બીજી બાજુ જેમની મુદત પુરી થાય છે એ ત્રણેય રાજ્યસભાના સભ્યો પણ ભાજપના જ ઉમેદવાર તરીકે અગાઉ વિજયી થયાં હતા. જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકરનો સમાવેશ થાય છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, ગોવા અને પશ્ચિમ બંગાળની ઓગસ્ટ મહિનામાં ખાલી પડનારી 10 બેઠકોની ચૂંટણીનો મંગળવારે કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ગુજરાતના રાજ્યસભાની સભ્યો દિનેશ અનાવાડિયા, એસ. જય શંકર, અને જુગલજી ઠાકોર મુદત 18મી ઓગસ્ટ 2023ના રોજ પુરી થતા ખાલી પડેલી આ ત્રણેય બેઠકની ચૂંટણીનું જાહેરમાનુ 6ઠ્ઠી જુલાઇએ બહાર પડશે અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13મી જૂલાઇ રહેશે જ્યારે 17મીએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચી શકાશે અને 24મી જૂલાઇ મતદાન થશે તેમજ 24મી જુલાઇએ જ સાંજે 5 વાગ્યે મતગણતરી કરીને પરિણામ જાહેર થશે.
ચૂંટણી પંચે ગુજરાતની ત્રણ ઉપરાંત ગોવાની એક, અને પશ્ચિમ બંગાળની છ બેઠકોની પણ ચૂંટણી જાહેર કરી છે. આ તમામ ચૂંટણી માટે સમાન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે.