- યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે
- 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મતદાન થશે
- 10 માર્ચના થશે પરિણામ જાહેર
લખનઉ:આ વર્ષે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,સાત તબક્કામાં મતદાન પૂર્ણ થશે.
દેશમાં 5 રાજ્યોના ચૂંટણી જાહેર થઈ ચૂકી છે 403 બેઠકોવાળા ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થશે. વધુમાં ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં 14 ફેબ્રુઆરી એક રાઉંડમાં મતદાન થવા જઇ રહ્યું છે જ્યારે મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચ ના રોજ મતદાન થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ પછી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ અને સાતમો તબક્કો 7 માર્ચે યોજાશે.જયારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.
પ્રથમ તબક્કામાં 58, બીજા તબક્કામાં 55, ત્રીજા તબક્કામાં 59, ચોથા તબક્કામાં 60, પાંચમા તબક્કામાં 60, છઠ્ઠા તબક્કામાં 54 અને સાતમા તબક્કામાં 57 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જોકે, કોરોનાના વધતા જતા કેસોને જોતા ચૂંટણી પંચે પ્રચારની રીત બદલી છે.
કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ગયા અઠવાડિયે લખનઉમાં અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્રણ દિવસના પ્રવાસ બાદ ચૂંટણી પંચે કોવિડ પ્રોટોકોલને અનુસરીને સમયસર ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.