સુરતઃ શહેરમાં વધતા જતા તાપમાન સાથે આગના આકસ્મિક બનાવો પણ વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ શહેરના નાના વરાછા વિસ્તારમાં બન્યો હતો, ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરો આવી પહોંચ્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગમાં ઈલેક્ટ્રિક બાઈક અને ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા.
મ્યુનિ.ના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નાના વરાછા વિસ્તારમાં ઢાળ પાસે આવેલા ભવ્ય બાઈકના શો રૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળતા કાપોદ્રા વિસ્તારની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગે વિકરાળરૂપ ધારણ કરતા અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી. બાઈકના શો રૂમમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતા. જેના કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આગમાં આંખો શો રૂમ બળીને ખાક થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
ફાયર વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાઈકના શો રૂમમાં આગ લાગી હોવાનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ આગ વધુ હોવાને કારણે કાપોદ્રા, સરથાણા અને વરાછાની ગાડીઓ બોલાવી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આખે આખા શો રૂમમાં આગ પ્રસરી ગઈ હતી. તેના કારણે સ્મોક પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવતો હતો. આગ કયા કારણસર લાગી છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. શો રૂમમાં રહેલી બાઈક અને ફર્નિચર સહિતની વસ્તુઓ સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.