- રાજકોટવાસીઓ માટે સારા સમાચાર
- શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ
- દર 6 મિનિટે મળશે નવી બસ
રાજકોટ :રાજકોટવાસીઓ માટે હવે સરકારે નવી બસ સેવા શરૂ કરી છે, રાજકોટ શહેરમાં પણ ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે લોકો બસમાં મુસાફરી કરતા હશે તે લોકોને ખુબ મોટો ફાયદો થશે. રાજકોટ મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી ઈલેક્ટ્રિક બસ આવી ગઈ છે પણ લોકાર્પણ હવે થઈ રહ્યું છે. આ ઈ-બસથી શહેરીજનોને વધુ આરામદાયક મુસાફરી મળશે. રાજકોટના BRTS રૂટ પર સૌથી પહેલા આ બસ દોડાવાશે. અત્યાર સુધી આ રૂટમાં 10 ડીઝલ બસ ચાલતી તેને બદલે હવે 16 ઈ-બસ ચાલશે.
રાજકોટના શહેરીજનોને હવે વધુ આરામદાયક મુસાફરી મળશે. કારણ હવે રાજકોટના BRTS રૂટ પર ઇલેક્ટ્રિક બસ દોડશે. બસની ખાસિયતની વાત કરીએ તો, નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે. તેમજ મનોરંજન માટે FM રેડિયો છે. મુસાફરોને આ ફાયદા ઉપરાંત મનપાને એજન્સીને ચૂકવાતા પ્રતિ કિ.મી.ના ભાડામાં અધધ 50 રૂપિયાનો ફાયદો થશે.
હાલ એક બસ દૈનિક 190 કિ.મી. ચાલી રહી છે આ રીતે જોતા 10 ડીઝલ બસ રોજનું 500 લિટર ડીઝલ વાપરે છે. બસ બંધ થતા તેટલા ડીઝલનો વપરાશ ઘટશે અને તેટલું જ ઉત્સર્જન ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે. હાલ પ્રથમ તબક્કે 16 બસ બીઆરટીએસ રૂટ પર મુકાઈ છે પણ તબક્કાવાર સિટીબસમાં પણ રૂપાંતરિત કરાશે.