રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોને એજન્સી દ્વારા છેલ્લા 6 મહિનાથી સમયસર પગાર ચુકવાતો ન હોવાથી બસનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનમાં બસોના થપ્પા લાગી ગયા હતા. મ્યુનિ.ના અધિકારીઓએ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે મંત્રણાઓ શરૂ કરી છે. ટુક સમયમાં પ્રશ્નનો નિવેડો લાવી દેવાશે. એવું આરએમસીના અધિકારીઓ કહી રહ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે ઇલેક્ટ્રિક સિટી બસ સેવામાં ડ્રાઇવરો દ્વારા પગાર અનિયમિત મળતો હોવાના મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી. જાહેર પરિવહન વ્યવસ્થામાં ડીઝલ અને ઇલેક્ટ્રિક બસ સેવા ચાલે છે. ઇલેક્ટ્રિક બસનાં ડ્રાઈવરનો પગાર એજન્સી દ્વારા નિયમિત કરવામાં આવતો નથી. એવી ફરિયાદો મળી છે. આરએમસીના અધિકારીઓ દ્વારા બસ એજન્સી અને ડ્રાઈવર વચ્ચે મિટિંગ કરવામાં આવી રહી છે. આ મામલે ડ્રાઈવર-એજન્સી વચ્ચે અધિકારીઓએ સંકલન કર્યું છે. હાલ વાટાઘાટો ચાલી રહી છે. થોડા સમયમાં જ બસ સેવા પૂર્વવત શરૂ થઈ જશે. ઇલેક્ટ્રિક સિટી બસની હડતાળ પૂર્ણ થવા તરફ છે. કર્મચારીઓને લગતા પ્રશ્નો ન આવે તે જોવામાં આવશે. એજન્સી જો આ મામલે કાયમી સમાધાન કરી વ્યવસ્થા નહીં કરે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ઈલેક્ટ્રિક સિટી બસ ડ્રાઇવરોના કહેવા મુજબ છેલ્લા 6 મહિનાથી પગાર સમયસર કરવામાં આવતો નથી. એક તો ઓછો પગાર હોય અને તે પણ સમયસર કરવામાં આવતા નથી. જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અનેકવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. છેલ્લે આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હડતાળ કરવાની ફરજ પડી છે. ત્યારે તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે માંગ છે.