2035 સુધીમાં, ભારતની કુલ વીજળીના 8.7 ટકાનો વપરાશ ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ, વેચાણ અને કાફલાની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતની વીજળીનો નોંધપાત્ર હિસ્સો આગામી દાયકાના મધ્ય સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો દ્વારા વપરાશમાં લેવામાં આવશે, જે છ ટકાથી 8.7 ટકાની વચ્ચે હશે.
એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ઇલેક્ટ્રિક વાહનો દ્વારા આ પાવર વપરાશ સમગ્ર દેશમાં EVsના વધતા દર અને પાવર ગ્રીડ પર તેની અસરને દર્શાવે છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે પણ ગ્રાહકો દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવાની સંખ્યા વધી રહી છે. વિશ્વભરમાં કુલ કારના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 18 ટકા હશે. જેમાં ચીનનો ફાળો 50 ટકાથી વધુ રહેશે. ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં આ ઝડપી વધારાની વૈશ્વિક વીજળી વપરાશ પર પણ નોંધપાત્ર અસર થવાની ધારણા છે.
અહેવાલમાં વધુમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોના વધતા પ્રવેશ સાથે, વૈશ્વિક વીજળી વપરાશમાં તેમનો હિસ્સો નોંધપાત્ર રીતે વધશે. રિપોર્ટમાં અંદાજ છે કે આ વધારો 2023માં 0.5 ટકાથી વધીને 2035 સુધીમાં 8.1 ટકાથી 9.8 ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે.
આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે, વધતી જતી EV ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે, ભારતે મજબૂત ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે. કારણ કે માંગ ઝડપથી વધી રહી છે. જેમ જેમ વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે, દેશના પાવર સેક્ટરને નવી વીજળીની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવા માટે ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવાની જરૂર પડશે.
ભારતીય ઇલેક્ટ્રિક વાહન બજાર 2022માં 3.21 બિલિયન ડોલરથી વધીને આ દાયકાના અંત સુધીમાં 113.99 બિલિયન ડોલર થવાની ધારણા છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહન બેટરી માર્કેટ 2023માં 16.77 બિલિયન ડોલરથી વધીને 2028 સુધીમાં 27.70 બિલિયન ડોલર થવાનો અંદાજ છે.