નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી આ સંકટ આ સુધારા પર બ્રેક લગાવી શકે છે. કોલસાના અછતના કારણે વીજળીને લઈને ઉત્તરપ્રદેશ સહિત દસ રાજ્યોમાં સંકટ ઉભુ થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં વીજળીની માંગ સામે પુરવઠામાં 1.4 ટકાનો ઘટાડો થયો છે. જે ઓક્ટોબરની કટોકટી કરતાં વધુ છે. તે સમયે માંગ અને પુરવઠામાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે દેશમાં કોલસાની અછતને કારણે આ સંકટ ઊભું થયું હતું. માર્ચમાં માંગ કરતાં પુરવઠો 0.5 ટકા ઓછો હતો.
આ સંકટની અસર આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં દેખાવા લાગી છે. ઓટોમોબાઈલથી લઈને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સુધીના પ્લાન્ટ ધરાવતા આંધ્ર પ્રદેશમાં વીજળીની માંગ સામે પુરવઠામાં 8.7 ટકાનો ઘટાડો છે. પાવર પ્લાન્ટ્સમાં 1 એપ્રિલના રોજ માત્ર નવ દિવસનો કોલસો બચ્યો હતો. જ્યારે ગાઈડલાઈન મુજબ આ સ્ટોક 24 દિવસનો હોવો જોઈએ.
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વીજળીની કટોકટી વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં 21 થી 22 હજાર મેગાવોટ વીજળીની માંગ છે. જ્યારે માત્ર 19 થી 20 હજાર મેગાવોટ પાવર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ અણપરામાં છે. અહીં માત્ર ચારથી પાંચ દિવસનો કોલસો બચ્યો છે. રેલ રેકમાંથી કોલસાનો પુરવઠો શરૂ ન થવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
આંધ્રપ્રદેશમાં વીજળી સંકટના કારણે કંપનીઓના ઉત્પાદન પર પણ અસર થવા લાગી છે. રાજ્યમાં સ્ટેનલેસ સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીએ પાવર કટોકટીને કારણે તેનું ઉત્પાદન 50 ટકા ઘટાડવાની પણ જાહેરાત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માંગ અને પુરવઠા વચ્ચેના અંતરને કારણે વીજ કાપ શરૂ થયો છે. બિહાર, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ માંગ અને પુરવઠા વચ્ચે ત્રણ ટકા જેટલો તફાવત રહ્યો છે.
દેશના કુલ વીજળી ઉત્પાદનમાં 70 થી 75 ટકા ઉત્પાદન કોલસા આધારિત કોલસા પ્લાન્ટમાં થાય છે. કોલસાને પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે ટ્રેનોની અછત પણ સંકટમાં વધારો કરી રહી છે. હાલમાં રેલવે દરરોજ આવી 415 ટ્રેનોનું સંચાલન કરી રહી છે, જે જરૂરી 453 ટ્રેનો કરતાં 8.4 ટકા ઓછી છે. આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 6 એપ્રિલની વચ્ચે દરરોજ માત્ર 379 ટ્રેનો ઉપલબ્ધ હતી. જે જરૂરિયાત કરતા 16 ટકા ઓછું હતું.
એપ્રિલની શરૂઆતમાં ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. આ રાજ્યોમાં તાપમાનનો પારો સામાન્યથી ઉપર થઈ ગયો છે. વધતી ગરમીના કારણે વીજળીની માંગ પણ વધી છે. એક અંદાજ મુજબ માર્ચ 2023 સુધીમાં વીજળીની માંગ 15.2 ટકા વધી શકે છે. આ પરિપૂર્ણ કરવા માટે, કોલસા આધારિત પ્લાન્ટોએ ઉત્પાદનમાં 17.6 ટકાનો વધારો કરવો પડશે.