Site icon Revoi.in

વડોદરામાં વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા વીજપોલ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી, 4નાં મોત

Social Share

વડોદરાઃ શહેરમાં ગઈકાલે સમીસાંજ બાદ 110 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો, ત્રણ સ્થળોએ વીજળીના પોલ અને હોર્ડિંગ તેમજ અનેક માકાનોના છપરા ઊડી ગયા હતા. અણધારી આલેવી આફતથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલા 29 જેટલાં વાહનો દબાયા હતા. શહેર અને જિલ્લામાં ચારના મોત નિપજ્યા હતા. વરસાદ અને ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો.

વડોદરા શહેરમાં ગત મોડી સાંજે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબીન ઉડીને દૂર ફેંકાઈ ગયું ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. શહેરના જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતાં. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

શહેરના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ સાથે તેજગતિએ પવન ફુંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. મોડી રાતથી ઓપરેશન શરૂ કરીને ધરાશાયી થયેલા  150 વૃક્ષોનું કટિંગ કરી કામગીરી પૂર્ણ કરી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. વૃક્ષો નીચે પાર્ક કરેલા 14 કાર, 14 ટુ-વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. હજુ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. શહેરના જુનીગઢી વિસ્તારમા ઝાડ પડવાથી ત્રણ દુકાનોને નુકસાન થયુ હતું. સાથે વીજ પોલ ધરાશાયી થતા વીજ વાયરો તૂટી પડ્યા હતા

પ્રચંડ વાવાઝોડાના કારણે મોતના ચાર બનાવો બન્યા હતા. જેમાં વડોદરા શહેરમાં એક 24 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતુ, ઉપરાંત જિલ્લાના પાદરામાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. સાથે જિલ્લાના પાદરામાં કિરણસિંહ છત્રસિહ રાઠોડ (ઉં.વ.50 રહે. પીપળીગામ ઘંટીવાળુ ફળિયુ તા.પાદરા જી.વડોદરા) સાંજે પોતાની બાઈક લઈ જતા હતા તે દરમિયાન પાદરા અંબાશકરી નજીક રોડ ઉપર નીલગીરીનું મોટુ ઝાડ માથા પર પડતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરના કપુરાઇ નજીક મૂળ વરાછા સુરતના 45 વર્ષીય જગદીશ હીરપરા પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વિશાળ બોર્ડ તેના પર ધરાશાયી થયુ હતુ. તેમજ દાહોદના 29 વર્ષીય જનક નીનામા હાલોલથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલટેક્સ પાસે જ તેઓની બાઈક સ્લીપ થઈ હતી અને તેઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.