રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું દુષણ વધી રહ્યું છે. જેના લીધે લાઈનલોસમાં વધારો થઈ રહ્યો છે. આથી વીજચોરી પકડવા માટે ચેકિંગ વધારવાની સુચના મળતા વીજ તંત્ર દ્વારા વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં ગરોડા પાડવામાં આયા હતા. ત્રણ દિવસના ચેકિંગ દરમિયાન 45 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના ગ્રામ્યક વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની ટીમો ધામા નાંખી ચેકીંગની કાર્યવાહી કરી રહી છે. જેમાં 254 વીજ કનેકશનોમાંથી વીજચોરી થતી હોવાનું પકડી પાડી તમામ કનેકશન ધારકોને કુલ 45 લાખના વીજ બિલો ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેર ગ્રામ્યમાં 28 જેટલી ટુકડીઓમાં 112 અધિકારીઓ-કર્મચારીઓની ટીમે વીજ ચેકીંગ અંગેની કાર્યવાહી કરી હતી. જેમાં 415 વીજ જોડાણ ચેક કરવામાં આવતા 89 વીજ જોડાણોમાંથી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા કુલ રૂ.18.20 લાખના બિલો ફટકારેલ હતા. જ્યારે બીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરીમાં આવતા તાલુકાના ગામોમાં 29 ટીમોમાં 120 કર્મચારીઓએ વીજ ચેકીંગની કામગીરી કરી 375 જેટલા વીજ જોડાણો તપાસતા 85 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા કુલ રૂ.13.51 લાખના વીજ બિલો ફટકારેલ હતા. ત્રીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરી હેઠળ ગામોમાં 26 ટીમોમાં 110 કર્મચારીઓએ સઘન વીજ ચેકીંગ હાથ ધરી હતી. જેમાં કુલ 355 વીજ જોડાણો તપાસતા 80 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતાં કુલ રૂ.13.11 લાખના વીજ બિલો ફટકારવામાં આવ્યા છે.