રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થયા બાદ ઈલેક્ટ્રિફાઈડ ટ્રેનો દોડતી થશે
રાજકોટઃ સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેકનું કામ ચાલુ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ રૂટ ઉપર જૂન-2023 સુધીમાં ઇલેક્ટ્રિફાઇડ ટ્રેન દોડતી થઈ જશે.
રેલવેની સલાહકાર સમિતિની મિટિંગ રેલવે કોન્ફરન્સમાં તાજેતરમાં મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ડીઆરએમ અનિલ જૈને જણાવ્યું કે, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમી અફેર્સ ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટથી કાનાલુસ ડબલ ટ્રેક રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ટોટલ 1080.58 કરોડના ખર્ચે 111.20 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે અને તે ચાર વર્ષે પૂર્ણ થશે. સમિતિના હરિકૃષ્ણ જોશી દ્વારા રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ કેટલા કિલોમીટર બાકી અને કેટલા સમયમાં પૂર્ણ થશે તેવો પ્રશ્ન પૂછતાં ડીઆરએમએ જણાવ્યું હતું કે, રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ ચાલુ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ રૂટ ઉપર જૂન-2023 સુધીમાં ઇલેક્ટ્રિફાઇડ ટ્રેન શરૂ થઇ શકશે છેલ્લા કેટલાક સમયથી ટ્રેન દીઠ-3 ટી.ટી.ઈ હોવા જોઇએ તેને બદલે 2 ટી.ટી.ઇ. જોવા મળે છે, તે મુદ્દે ડીઆરએમએ કહ્યું કે, ટી.ટી.ઇ.નું સંખ્યાબળ ઓછું છે નવી રિક્રૂટમેન્ટ આવી જશે ત્યારે ટી.ટી.ઇ.ની સંખ્યા વધારવામાં આવશે.
રેલવેની સલાહકાર સમિતિની બેઠકમાં સભ્યોએ રાજકોટ ડિવિઝનમાં એક વર્ષમાં રેલવે અકસ્માતમાં કેટલી ગાયના મૃત્યુ થયા તેવો પ્રશ્ન પૂછતાં જવાબમાં રેલવે દ્વારા જણાવાયું હતું કે, રાજકોટ ડિવિઝનમાં છેલ્લા વર્ષ દરમિયાન રેલ અકસ્માતમાં 210 ગાય માતાના અકસ્માતમાં મૃત્યુ થયા છે. (File photo)