અમદાવાદઃ ગુજરાતના જંગલ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવર જોવા મળે છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સાતસનની સીમમાં જોવા ચાર હાથીઓનું ઝુંડ જોવા મળ્યું હતુ. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા હાથીઓ અંગે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડાના સાતસનની સીમમાં એક સાથે ચાર હાથી જોવા મળ્યાં હતા. એક સાથે ચાર હાથી જોવા મળતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ચારેય હાથી માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જંગલખાતાને પણ નથી ખબર કે કેવી રીતે આ હાથીઓ અહીં એક સાથે આવી ચઢ્યા. ત્યારે તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. અજાણ્યા શખ્સો હાથીઓને અહીં મુકી ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. જેથી વનવિભાગે હાથી અહીં કેવી રીતે આવ્યા અને કોણ લઈને આવ્યું તેની તપાસ આરંભી છે.