નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ ગામમાં આતંક મચાવ્યો હતો અને ત્યાંના ઘરોને તોડવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે જ્યારે બંને ભાઈઓ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે હાથીએ તેમાંથી એકને પકડી લીધો અને તેને કચડીને તેનો જીવ લઈ લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે અન્ય એક ભાઈ પોતાના ભાઈને બચાવવા ત્યાં પહોંચ્યો અને હાથીને ભગાડવાનો પ્રયાસ કર્યો તો હાથીએ તેને કચડીને મારી નાખ્યો હતો. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે હાથીઓનું ટોળું છેલ્લા છ મહિનાથી ટપકારા ફોરેસ્ટ રેન્જમાં ફરે છે અને વન વિભાગ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, જંગલની અંદરના ઘરોમાં રહેતા ગ્રામજનોને જંગલી હાથીઓના હુમલાથી બચાવવા માટે તેમને કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે. છત્તીસગઢના ઉત્તરી જિલ્લાઓમાં જંગલી હાથીઓ અને મનુષ્યો વચ્ચે અવારનવાર સંઘર્ષના અહેવાલો આવે છે. આ વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.