Site icon Revoi.in

પાલનપુર RTO સર્કલ પર એલિવિટેડ બ્રિજનું કામ પૂર્ણ થતાં 10 દિવસમાં જ વાહનો માટે ખૂલ્લો મુકાશે

Social Share

પાલનપુરઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા રહેતા નેશનલ હાઈવે પરના પાલનપુરના આરટીઓ સર્કલ પર કરોડોના ખર્ચે  થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ જતાં હવે આબુ  તરફનો બ્રિજ વાહન વ્યવહાર માટે 10 દિવસમાં ખોલી દેવાશે. જોકે અંબાજી હાઈવે તરફ રેલવે બ્રિજ પર 16 ગર્ડર ચઢાવવાની કામગીરી બાકી હોવાથી કામગીરી અટવાઈ છે. થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા રેલવેમાં પત્ર લખીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે. જેની કામગીરી પણ ટૂક સમયમાં પૂર્ણ કરાશે

અમદાવાદથી મહેસાણા થઈને વાયા પાલનપુરથી રાજસ્થાન તરફ જતા નેશનલ હાઈવે પર રોજબરોજ ટ્રાફિકમાં ભારે વધારો થઈ રહ્યો છે. જેમાં પાલનપુરમાં આરટીઓ સર્કલ પર તો કાયમ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. તેના નિવારણ માટે કરોડો રૂપિયાના ખર્ચે થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનું કામ પૂર્ણ થતા માઉન્ટ આબુ તરફનો બ્રિજ 10 દિવસમાં વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવામાં આવશે.  બ્રિજની ઉપરથી અવરજવર કરી શકાય તે માટે ડામર કામ પણ સંપન્ન કરી દેવામાં આવ્યું છે જોકે અંબાજી હાઈવે તરફ વચ્ચે આવતી રેલ્વે ટ્રેકની ઉપર પિલ્લર પર ગર્ડર ચઢાવવાની કામગીરી રેલવેની મંજૂરીના અભાવે અટકી પડી છે. ગર્ડર ચઢાવવા માટે ટ્રેનોની અવરજવર રોકવી પડે તેવી સ્થિતિને લઈ રેલવે વિભાગ દ્વારા પાછલા કેટલાય મહિનાઓથી કામગીરીને લીલી ઝંડી આપવામાં આવી નથી. બ્રિજનું નિર્માણ કરનારી એજન્સી જી.પી.ઇન્ફ્રા.એ જણાવ્યું હતું કે રેલવેની મંજૂરી આવી નથી. મંજૂરી આવ્યેથી 350 મેટ્રિક ટનની 2 હેવી ક્રેનથી ઉપાડીને પિલ્લર પર 16 ગર્ડર મૂકવાની કામગીરી કરાશે.