ગુજરાતમાં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ બાદ યોગ્યતા સર્ટી ફરજિયાત
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયાં બાદ ધોરણ 11માં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે શિક્ષણ વિભાગે ધોરણ 11માં પ્રવેશ માટે નિયમો બનાવ્યા છે. જેમાં અન્ય શિક્ષણ બોર્ડના ધોરણ-10 પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવા શાળાના આચાર્યોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દેશના 68 બોર્ડને જ માન્યતા આપી હોવાથી તે સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ સંપુર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે તેવો શિક્ષણ બોર્ડના આદેશમાં ઉલ્લેખ કરાયો છે. બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ-2023-24માં ધોરણ-11માં પ્રવેશ આપતા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવાનો આદેશ કર્યો છે.
બોર્ડના આદેશમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સમગ્ર દેશમાં ઓપન સ્કુલ તરીકે એનઆઇઓએસને જ માન્યતા આપવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં ચાલતા ઓપન બોર્ડ જેતે રાજ્યમાં માન્ય છે. ઉપરાંત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા દેશભરના અલગ અલગ રાજ્યોમાં ચાલતા શિક્ષણ બોર્ડમાંથી માત્રને માત્ર 68 બોર્ડને માન્યતા આપવામાં આવી છે. આથી અન્ય રાજ્યોના ધોરણ-10 પાસ વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ આપતા પહેલાં તપાસ કરવાની રહેશે. જોકે વિદ્યાર્થીને કામચલાઉ શાળામાં પ્રવેશ આપવાનો રહેશે. શાળાના આચાર્યે સબંધિત બોર્ડમાંથી પ્રમાણપત્રોની ખરાઇ કરાવીને તે વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને રજુ કરીને તેઓની પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવ્યા બાદ અન્ય રાજ્યના શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીને કાયમી પ્રવેશ આપવાનો રહેશે. જોકે અન્ય રાજ્યના શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓને કામચલાઉ પ્રવેશ આપ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવાની દરખાસ્ત શાળાના આચાર્યે વિના વિલંબે અને સત્વરે કરવાની રહેશે.