દિલ્હીથી દોહા જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી ધૂમાડો નિકળતા કરાંચીમાં ઈમરજન્સી લેન્ડીંગ
નવી દિલ્હીઃ દિલ્હીથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પ્લેનમાં 100 પેસેન્જર્સ હતા, ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરીને તમામ યાત્રીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ પછી ફ્લાઈટને પાકિસ્તાન તરફ વાળવામાં આવી હતી અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્લેનને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પરથી ખાલી કરાવવામાં આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે કતાર એરવેઝ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એરવેઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ મુસાફરોને દોહા લઈ જવા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાં મોટી દૂર્ઘટના ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.