દુબઈની અમીરાત એરલાઇન્સ 23 જૂનથી શરૂ કરશે ઉડાન, ભારત સાથે આ બે દેશોમાં શરૂ કરશે ફ્લાઇટ્સ સર્વિસ
- ભારતમાં અમીરાત એરલાઈન્સની સર્વિસ ફરીથી શરૂ થશે
- મોટી સંખ્યામાં ભારતીયોને મળશે રાહત
- ભારતની સાથે નાઈજીરીયા અને દ.આફ્રિકામાં પણ શરૂ થશે સર્વિસ
દિલ્હી : સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એરલાઇન્સ કંપની અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારત સાથે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરીયાના મુસાફરોને પણ આની મંજૂરી આપવામાં આવી છે. ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. દુબઈની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કહ્યું છે કે, કોરોના રસી મેળવનારા માત્ર ભારતીયોને યુએઈમાં તેમના ઘરે પાછા ફરવા દેવામાં આવશે.
અમીરાત એરલાઇન્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અમે મુસાફરોને ફરીથી મંજૂરી આપવાના નિર્ણયને આવકારીએ છીએ. કોવિડ પ્રોટોકોલને પગલે, અમે 23મી જૂનથી દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા અને ભારતના મુસાફરોની પરિવહન સેવા ફરી શરૂ કરીશું. અમે આ દેશોમાં અને ત્યાંની મુસાફરીને સરળ બનાવવા સમર્થન આપવા માટે તૈયાર છીએ.
આ અગાઉ 24 એપ્રિલના રોજ યુએઈએ કોરોના મહામારીના વધતા જતા સંકટને જોતા ભારતથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં કામદારો ભારતમાં અટવાયા હતા. હવે ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં આવા ભારતીયો ફરીથી યુએઈમાં જઇ શકશે.
ભારતથી આવતા મુસાફરો માટે કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. માત્ર તે જ ભારતીયોને યુએઈમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જેમણે યુએઈમાં માન્ય કોરોના રસીનો ડોઝ લીધો છે. આ સાથે, ભારતીય નાગરિકોને તેમની ફ્લાઇટથી 48 કલાકની અંદર લેવામાં આવેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
જો કે યુએઈના નાગરિકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે જ સમયે, બધા મુસાફરોએ પ્રવાસના 4 કલાક પહેલા ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવું પડશે. ફક્ત ક્યૂઆર કોડ સાથેનું પીસીઆર પરીક્ષણ પરિણામ પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે.