Site icon Revoi.in

અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્યઃ કોંગ્રેસે AMC ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. આ મુદ્દે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ શાસિત એએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ગંદકીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ઘરે-ઘરે કચરો ઉઠાવવાની કામગીરીમાં ભાજપના જ નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ એક વિડીયો ટ્વિટર ઉપર શેર કરતા જણાવ્યું હતું કે આ ડમ્પિંગ સાઈટ નહીં, પણ અમદાવાદનું જમાલપુર છે. હજારો લોકોની અવરજવરથી સતત ધમધમતા જમાલપુર ચાર રસ્તા અને રહેણાંક વિસ્તાર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યો છે. નાક પણ ખોલી ના શકાય તેવી અસહ્ય ગંદકીની દુર્ગંધ લોકોને પારવાર મુશ્કેલીમાં નાખી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ સાતમાં આસમાને છે. આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે, જેઓ ગંદકીના કારણે સતત કોલેરા, મેલેરીયા જેવા રોગોના ભોગ બને છે. છતાં અમદાવાદ મહાનગર પાલીકાના પેટનું પાણી પણ હાલતું નથી. અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શું અમદાવાદ મહાનગર પાલીકા કોલેરા કે મલેરીયાનો રાફડો ફાટે તેની પ્રતિક્ષા કરી રહ્યું છે? કે પછી શહેરમાં રોગચાળો ફાટે એ માટે કોઈ યોજના(ષડયંત્ર) અમલમાં મુકી છે?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી, સ્વચ્છતા રેન્કિંગ શહેર નંબર-1 જેવા રુપકડા સ્લોગનો બનાવી તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાય છે. ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા દસ વર્ષથી મ્યુનિ. દ્વારા જુદી જુદી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે છતાં કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી તથા મ્યુનિ. અધિકારીઓની આંખ આડા કાન કરવાની વૃત્તિના કારણે શહેરમાં ગંદકીના ઢગલા ખડકાય છે, AMC દ્વારા વર્ષ 2005થી 2010 જુલાઇ સુધી દરેક ઘરેથી પેન્ડલ રીક્ષા દ્વારા કચરો એકત્ર કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને તેના માટે ઘર દીઠ 10 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. શહેરમાં એક હજારથી વધુ રેસિડેન્ટ વેલ્ફેર એસો.ને 12 લાખથી વધુ મકાનોમાંથી કચરો એકત્ર કરવા માટે મહિને સવા કરોડથી વધુ રૂપિયા ચૂકવાતા હતા. આ સિસ્ટમમાં ભાજપના નેતાઓ દ્વારા સૌથી વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અને ભાજપના જ કોર્પોરેટરો તથા કાર્યકરોએ જ મંડળી નોંધાવી કોન્ટ્રાકટ લઇ લીધા હતા.