ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારી /અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે અને પેન્શનના તમામ મળવાપાત્ર લાભો મેળવે છે, પરંતુ જેની જન્મ તારીખ જૂન મહિનામાં નોધાયેલી છે અને પુરો સમય પોતાની ફરજો બજાવવી હોવા છતાં તા 1 જુલાઈ મળવાપાત્ર ઈજાફાનો લાભ મળી શકતો નથી અને પેન્શનની ગણતરીમાં લેવામાં આવતો નથી, જે આ સમયગાળામાં નિવૃત્ત થનારા કર્મચારીઓ અને અધિકારીઓને અન્યાય સમાન છે. આ બાબતે કર્મચારીઓ મંડળો અને એસોસિયેશન પેન્શન મંડળોએ જૂન મહિનામાં નિવૃત્ત થનારાને પેન્શનમાં ગણતરી કરી એક ઈજાફાનો લાભ આપવા માટે અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.
રાષ્ટ્રીય શૈક્ષિક સંધના સૂત્રોએ જણાવ્યું હતું કે, જુન મહિનામાં જન્મેલા રાજ્ય સરકારના કર્મચારીઓ જ્યારે વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. ત્યારે તેમને જુલાઈના ઈજાફાનો લાભ મળતો નથી. આથી 30 જુને નિવૃત્ત થતા કર્મચારીઓ અધિકારીઓને પેન્શનમાં આર્થિક નુકસાન થાય છે. ન્યાય માટે કોટૅમા રીટ દાખલ કરી કેસ કરવામાં આવે છે જે કોટૅ દ્વારા મોટા ભાગે આવા કર્મચારીઓના તરફેણમાં ચુકાદા આપ્યા છે. આથી જૂન 30 સુધીમાં નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓને ઈજાફાનો લાભ મળે અને પેન્શનમાં ગણતરી કરવા માટે નાણાં વિભાગ દ્વારા જાહેર પરિપત્ર કરવામાં આવે તો કર્મચારીઓને આર્થિક નુકસાન થાય નહિ. આ મામલે કર્મચારીઓને નાછુટકે હાઈકોર્ટમાં કેસ રીટ દાખલ કરવાની ફરજ પડે નહીં તે પહેલાં તમામ કર્મચારીઓને ઈજાફાનો લાભ મળે તે માટે નાણાં વિભાગને સત્વરે પરિપત્ર કરવા માટે સુચનાઓ પાઠવવા મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે.