Site icon Revoi.in

બગસરાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓ સમયસર આવતા નથી

Social Share

અમરેલીઃ જિલ્લના બગસરા તાલુકાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાથી ગાંમડામાંથી આવેલા અરજદારોને મુશ્કેલી પડી રહી છે. મામલતદાર કચેરીમાં માત્ર કર્મચારીઓ જ નહીં પણ અધિકારીઓ પણ મોડા આવે છે. એટલે ફરિયાદ કોને કરવી તે મોટો પ્રશ્ન છે. જિલ્લા કલેકટર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

બગસરાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર આવતા નથી. જેના કારણે બહારગામથી આવતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. બપોરના 11 વાગ્યાથી અરજદારોની લાઈનો લાગી જાય છે. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસમાં ટાઈમ મુજબ આવતા નથી. માત્ર મામલતદાર કચેરી જ નહીં અન્ય કચેરીમાં પણ આવી જ હાલત છે. અધિકારીઓ જ કચેરીમાં મોડા આવતા હોય કર્મચારીઓ પણ મોડા આવવાના જ એટલે પ્રથમ તો અધિકારીઓ કચેરીમાં સમયસર આવે તે જરૂરી છે. બગસરાની મામલતદાર કચેરી સાડા દસ વાગે શરૂ થતા જ અરજદારો પોતાના કામ માટે લાઈન બનાવી ઉભા રહી જાય છે.. પરંતુ મામલતદાર કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ 11 વાગ્યે પણ કચેરીમાં પહોંચતા નથી.

મામલતદાર કચેરીમાં અધિકારીઓ અરજદારો સાથે તોછડું વર્તન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સરકારી કર્મચારીઓ સમયસર ન આવવાથી લોકોના કામ ટલ્લે ચડી રહ્યા છે. જેના કારણે બીજા દિવસે પણ લોકો ધક્કા ખાવા પડે છે. સરકારની ઢીલી નીતિના કારણે મામલતદાર કચેરીના કર્મચારીઓ બેફામ બની ગયા છે. રાજકીય નેતાઓ કે જિલ્લાકક્ષાના અધિકારીઓને અરજદારોની સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ નથી.