Site icon Revoi.in

રાજ્યમાં જુની પેન્શન યોજના સહિત પ્રશ્નો ઉકેલવા કર્મચારીઓએ ગાંધીનગરમાં કર્યા ધરણાં

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય વિવિધ કર્મારી સંગઠનો પોતાના પ્રશ્નો ઉકેલવા તત્પર બન્યા છે. સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતાં રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. ત્યારે ફરીવાર સોમવારે  ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠનના નેજા હેઠળ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.અને વિરોધપ્રદર્શન કરીને પેન્શન સહિતના પ્રશ્નો ઉકેલવાની માગ કરી હતી,

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. એને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવનનિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કર્મચારીઓમાં ઊઠી છે. તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. એને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ બુલંદ બની છે.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારે સંયુક્ત મોરચાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓ એકઠા થયા હતા, જેમાં કેટલાક ઉચ્ચ નિવૃત્ત અધિકારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા.