Site icon Revoi.in

ગુજરાત મેરી ટાઈમ બોર્ડના આઉટસોર્સ ભરતીના કૌભાંડની તપાસ માટે કર્મચારી મંડળની માગ

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બોર્ડ-નિગમોમાં કર્મચારીઓની કાયમી ભરતી નહીં કરીને ઓઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓની સેવા પુરી પાડતી આઉટસોર્ટ એજન્સીઓ જ કમાય છે. આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મેરીટાઇમ બોર્ડમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી અને આઉટસોર્સથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે. આઉટસોર્સ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં પણ કૌંભાડ આચરવામાં આવી રહ્યુ છે.  હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે. કે, કાયમી કર્મચારીઓ કરતા હંગામી નોકરી કરતા કર્મચારીઓની સંખ્યા વધારે છે. જ્યારે સરકારમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને નીચો ભાવ ભરનાર એજન્સીને કામગીરી સોપવામાં આવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા ત્રણ એજન્સીને બોલાવી કામગીરી સોપી દેવામાં આવતા ભ્રષ્ટ્રાચારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહાસંઘના મહામંત્રી કે.વી. શાહે કહ્યુ હતુ કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ખૂબ લાંબા સમયથી આઉસોર્સ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માન્ય મહેકમ પૈકી હાલમાં હયાત ખાલી જગ્યાઓ અને જરૂરિયાત કરતાં અનેક ઘણા મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી નિયમિત કર્મચારીઓ કરતાં પણ વધારે પગારથી કરવામાં આવી છે. ભરતી કરવામાં સરકારી ટેન્ડર્સના નિયમો મુજબ એક જ નીચા ભાવ ભરનાર એજન્સીનુ ટેન્ડર મંજૂર કરવામાં આવતું હોય છે. પરંતુ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ત્રણ એજન્સીને અમુક અમુક બંદરો વહેચી આપી કોન્ટ્રાક્ટના રૂપમાં મોટું કૌંભાંડ આચરવામાં આવ્યું છે. ટેન્ડરની મુદ્ત પૂર્ણ થવાની તારીખ નક્કી જ હોય છે છતા તેની અવધિ પૂર્ણ થવા પહેલાં શા માટે વહેલાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નહી ?  એવા સવાલો ઊઠી રહ્યા છે.  આઉટ સોર્સ સ્ટાફની બિનજરૂરી વધુ ભરતી કરી નફા કારક બોર્ડને ભવિષ્યમાં ખોટ કરતું કરવામાં અઘિકારીઓને રસ હોય તેવુ ફલિત થતું દેખાઈ રહ્યું છે. મેરીટાઇમ બોર્ડ સરકારમાં મુખ્યમંત્રીના સીધા નિયંત્રણ હેઠળ આવતો હોય આ બાબતે સરકારનાં નાણાંકીય અને વહીવટી હિતમાં અગાઉ બોર્ડ કર્મચારી સંઘ મહામંડળ ગાંધીનગર દ્વારા જરૂરી તપાસ કરવા રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ  નાયબ સચિવ કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવી પરંતુ આજ દિવસ સુધી તેનો તપાસ રીપોર્ટ તૈયાર થયો નથી. જેથી બોર્ડના વ્યવસ્થાતંત્રને જાણે કોઈ કહેનાર કે ટોકનાર કોઈ ન હોઈ બોર્ડના અધિકારીઓની મનમાની કરવાની જાણે સંપૂર્ણ છૂટ મળી ગઇ હોય તેમ જણાઈ રહ્યું છે.