Site icon Revoi.in

રોજગાર મેળાઃ 10 લાખ કર્મચારીઓના ભરતી અભિયાનનો પીએમ મોદી પ્રારંભ કરશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરના રોજ સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન, 75,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે PM મોદી નવા નિયુક્ત પામેલાઓને પણ સંબોધિત કરશે.

યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પીએમની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. વડાપ્રધાન મોદીના નિર્દેશો મુજબ, તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર પોસ્ટ્સ સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.

દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. નિમણૂંક પામેલાઓ વિવિધ સ્તરે સરકારમાં જોડાશે જેમ કે. ગ્રુપ – A, ગ્રુપ – બી (રાજપત્રિત), ગ્રુપ – બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ – સી. જે જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, MTS વગેરેનો સમાવેશ થાય છે.

આ ભરતીઓ મિશન મોડમાં મંત્રાલયો અને વિભાગો દ્વારા અથવા તો UPSC, SSC, રેલ્વે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે, પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી સક્ષમ બનાવવામાં આવી છે.