Site icon Revoi.in

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના મિશન મોડમાં ઝડપથી લાગુ થશે: ડો. માંડવિયા

Social Share

નવી દિલ્હીઃ રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) યોજનાને ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. આ વાત ડો.માંડવિયાએ ઈએલઆઈ સ્કીમ અને તેના અમલીકરણ પ્લાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલાજે તથા મંત્રાલય અને ઇપીએફઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ડૉ. માંડવિયાએ એ સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત વ્યવસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, ઇએલઆઇ યોજનાનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે. તેમણે ઉમેર્યું હતું કે, “એ જરૂરી છે કે આપણા પ્રયાસો એક સ્થાયી અને સર્વસમાવેશક રોજગાર પ્રણાલી ઊભી કરવા તરફ વાળવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “ઇએલઆઇ યોજના રોજગારીના સર્જનને સરળ બનાવવા અને નોકરીદાતાઓ અને કર્મચારીઓને પ્રોત્સાહનો પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.”

ઇએલઆઇ સ્કીમનું લક્ષ્ય 2 વર્ષના ગાળામાં દેશમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું છે. આ રોજગારીની તકો વધારવા અને આજીવિકા વધારવામાં નોંધપાત્ર પ્રદાન કરશે. કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ લોકોને, ખાસ કરીને ઇચ્છિત લાભાર્થીઓને, ઈએલઆઈ યોજનાનાં લાભો વિશે જાગૃત કરવા વિસ્તૃત પહોંચ અને જાગૃતિ અભિયાન હાથ ધરે.

કેન્દ્રીય બજેટ 2024-25માં ‘રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન’ માટેની ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે 5 વર્ષનાં ગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા પ્રદાન કરવા માટે 5 યોજનાઓ અને પહેલોનાં પ્રધાનમંત્રીનાં પેકેજનાં ભાગરૂપે હતી, જેમાં રૂ. 2 લાખ કરોડનો કેન્દ્રીય ખર્ચ થશે. શ્રમ અને રોજગાર મંત્રાલય તેમની અમલીકરણ યોજના સાથે ઉપરોક્ત યોજનાઓની વિગતોને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.