પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળતા તપાસની માગ ઊઠી
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી મહાત્મા ગાંધીજીની જ્યંતિના દિને જ દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ ઊભો થયો છે. આ બનાવમાં એનએસયુઆઈએ તપાસની માગ કરીને કેમ્પસમાં સલામતી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે.
રાજકોટની એક ખાનગી યુનિવર્સિટી તેમજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળવાની ઘટના બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ દારૂની ખાલી બોટલો મળી આવ્યા બાદ હવે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કેમ્પસમાંથી પણ વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની બોટલ મળતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. શિક્ષણના ધામમાં દારૂની બોટલો મળી આવતા યુનિવર્સિટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
આ બનાવમાં પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. યુનિના કેમ્પસમાંથી દારૂની વિવિધ બ્રાન્ડની ઢગલાબંધ ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે શિક્ષણ ધામમાં આ પ્રકારનું દુષણ પ્રવેશ કરે તે શિક્ષણ જગત માટે લાંનછન રૂપ ગણી શકાય. આ મામલે પાટણ કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે પ્રખર જૈન મુનિ હેમચંદ્રચાર્યાજી નામ પરથી યુનિવર્સિટીનું નામકરણ કર્યું હોય અને તે યુનિમાંથી ગાંધીજયંતીના દિવસે દારૂની ખાલી બોટલો મળી આવે તે લાંનછન રૂપ કહેવાય. પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ મળવા અંગે જ્યારે રજીસ્ટ્રારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, યુનિવર્સિટી એક શિક્ષણનું ધામ છે. આ ઘટનાની જાણ સિક્યોરિટી ગાર્ડ અને એજન્સીને કરી છે. સ્થળ તપાસ કરાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે કહ્યું કે આ મામલે કોઈ ષડયંત્રને પણ નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે ખાલી બોટલ બહારથી આવી કે અંદરથી તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે સમગ્ર તપાસ કર્યા બાદ કોઈ દોષિત હશે તો કાર્યવાહી કરવામાં આવશે.