જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર,સર્ચ ઓપરેશન શરૂ
- જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર
- સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર
- હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારની રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વારપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ,એક ટોચનો આતંકી કમાન્ડર અન્ય એક આતંકી સાથે વારપોરા ગામના એક મકાનમાં હાજર હતો. વારપોરામાં પોલીસને તેની હાજરીનો ઇનપુટ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આઇજીપી કાશ્મીરએ જણાવ્યું કે,આ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી ફયાઝ વાર ઘણા આતંકી ઘટનાઓમાં સામેલ રહી ચુક્યો છે. છેલ્લી વખત તેણે ઉત્તર કાશ્મીરમાં આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ દરમિયાન આર્મીની 22 આરઆર, એસઓજી સોપોર અને સીઆરપીએફ 179, 177 અને 92 બટાલિયનોની એક સંયુક્ત ટીમે વારપોરામાં ઘર-ઘરની તલાશી લીધી હતી અને આ વિસ્તારની તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરી દીધી હતી. એન્કાઉન્ટર પહેલા સુરક્ષા દળોએ આતંકીઓને શરણાગતિ આપવાની તક આપી હતી, પરંતુ આતંકીઓએ શરણાગતિ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જે બાદ અહીં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકીઓ સાથેની એન્કાઉન્ટર બાદ હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.