અમદાવાદઃ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગોની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલો ઓફલાઇન શરૂ થયા બાદ વાલીઓ માટે બાળકને સ્કૂલે મુકવા-લેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. વાલીઓ પર આર્થિક બોજ વધી શકે છે. સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફીમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન પણ ભાડાંમાં કેટલો વધારો કરવો તે અંગે બેઠક બાદ જાહેરાત કરશે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ વધારો થશે. જેથી વાલીઓ પર આર્થિક બોજો વધશે.
રાજ્યમાં ધો.1થી 5ની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. એટલે હવે ધો. 12 સુધીની શાળામાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. શાળા સંચાલકો ફી વધારવાની માગણી કરી રહ્યા છે. પણ હજુ સરકારે મંજુરી આપી નથી.ત્યારે હવે સ્કુલરિક્ષા અને સ્કુલ બસના ભાડાંમાં 20 ટકા જેટલો વધારો કરવાની વિચારણા ચાલી રહી છે.
સ્કૂલો શરૂ થતા હવે સંચાલકો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ શરૂ કરશે. પરંતુ કોરોનામાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી તે તમામ ખર્ચ હવે વસૂલી શકે છે. સ્કૂલ સંચાલકોના કહેવા મુજબ હાલમાં સ્કૂલ સંચાલકોને બસ માટે ડ્રાઇવર મળતા નથી. ઉપરાંત ઘણાં સમયથી બસ પડી રહી હોવાથી બેટરીથી લઇને ઘણી બાબતોનો ખર્ચ થયો છે. જેથી હવે તે તમામ ખર્ચ વાલીઓ પાસેથી વસૂલાશે. ફરજિયાત રીતે સ્કૂલ સંચાલકોએ ટ્રાન્સપોર્ટેશન ફીમાં વધારો કરવો પડશે. આ વધારો માત્ર સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનમાં નહીં, પરંતુ ખાનગી સ્કૂલવર્ધીના વાહનો પણ કરશે.
રિક્ષા એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે,પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી સ્કૂલ વર્ધીમાં જે ગાડીઓ ચાલે છે, તેના ભાડામાં વધારો થશે.વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેનો અંતિમ નિર્ણય બે દિવસ બાદ મળનારી મીટિંગ બાદ નક્કી થશે. (file photo)