પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલના સમયમાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે. હવે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ આમિરે બાબર સામેની આ ટીકાઓ પર આકરુ વલણ અપનાવ્યું છે. આમિરે બાબરનું સમર્થન કર્યું અને સોશિયલ મીડિયા પર ટીકાકારોને વ્યક્તિગત હુમલા અને પાયાવિહોણા આરોપો કરવાનું બંધ કરવા અપીલ કરી હતી.
મુલતાનમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની 152 રનની મોટી જીત બાદ બાબરની ગેરહાજરીને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક ટીકાકારોએ કહ્યું કે, ટીમની જીત બાબરની ગેરહાજરીને કારણે થઈ છે, જેના કારણે તેની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પ્રથમ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ બાબરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની સાથે ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને વિકેટકીપર સરફરાઝ અહેમદને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદની અધ્યક્ષતાવાળી નવી પસંદગી સમિતિએ લીધો હતો. આ મેચમાં ડેબ્યૂ કરનાર કામરાન ગુલામે સદી ફટકારી હતી અને સ્પિનર નૌમાન અલી અને સાજિદ ખાને ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ લઈને પાકિસ્તાનને જીત અપાવી હતી. આ પ્રદર્શન પછી, બાબરની કેપ્ટનશીપ દરમિયાન પક્ષપાતના આરોપો ફરી એકવાર સામે આવ્યા છે.
મોહમ્મદ આમિરે ટીકાઓ સામે આકરુ વલણ અપનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, “યાર, કૃપા કરીને આ સસ્તું વિચારવાનું બંધ કરો કે ટીમ જીતી ગઈ કારણ કે બાબર ટીમમાં ન હતો.”
આમિરે કહ્યું, “અમે બહેતર આયોજન અને હોમ ગ્રાઉન્ડ એડવાન્ટેજના કારણે જીત્યા.” તેણે ટીકાકારોને ખેલાડીઓના પ્રદર્શનના આધારે જ ચર્ચા કરવા અને વ્યક્તિગત હુમલાથી બચવાની અપીલ કરી હતી.