કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ‘ઇમ્પેક્ટ વીથ યુથ કોન્ક્લેવ 2024’માં મુખ્ય સંબોધન કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી સંયુક્ત રાષ્ટ્ર ભારત, યુનિસેફ, યુનિસેફ યુવાહ અને એલિક્ઝિર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો ઉત્સાહી યુવાનોને પોતાની ક્ષમતાને ખોલવા માટે સમર્પિત કરવામાં આવ્યા હતા.
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “યુવાનો માત્ર આવતીકાલના જ નહીં, પરંતુ આજના પરિવર્તન ઘડનારાઓ પણ છે. તમારી ઊર્જા, નવીનતા અને સમર્પણ માનનીય પ્રધાનમંત્રીના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવા માટે ચાવીરૂપ છે.” કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત યુવા દેશ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારને તેમની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને સશક્ત બનાવવામાં અને તેમને શ્રેષ્ઠ તકો પ્રદાન કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવી રહી.
ડિજિટલ ટેકનોલોજીની પરિવર્તનકારી સંભવિતતા વિશે વાત કરતાં ડૉ. માંડવિયાએ યુવાનોને એમવાય ભારત પ્લેટફોર્મ પર નોંધણી કરાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે બદલાતાં સમય સાથે દેશનાં ભવિષ્યને સુસંગત કરવા માટે આ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “આગામી દિવસોમાં, એમવાય ભારત યુવાનોની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે.” તેમણે ઉમેર્યું હતું કે, “પછી તે માહિતી હોય, કારકિર્દીની અરજીઓ હોય કે ફોર્મ સબમિટ કરવાનું હોય, આ પ્લેટફોર્મ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સુલભ થશે.”
‘યુવા સંવાદ’ નામના વિશેષ સેગમેન્ટમાં ડૉ. માંડવિયાએ યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. અસંખ્ય યુવાન સહભાગીઓએ પડકારોનો સામનો કરવા અને તેમના સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી, જે સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તેમની સંભવિતતા અને દ્રઢ નિશ્ચય પર ભાર મૂકે છે.
કેન્દ્રીય મંત્રીએ યુવાનોને માનનીય પ્રધાનમંત્રીની #Plant4Mother પહેલમાં સક્રિયપણે ભાગ લેવા પણ પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં પર્યાવરણનાં સંરક્ષણ અને સ્થાયી પદ્ધતિઓમાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ અને યુનિસેફના YuWaah બોર્ડના કો-ચેરમેન સુશ્રી સિંથિયા મેકકેફ્રીએ યુવાનોને વૈશ્વિક કામગીરીમાં જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.