અમદાવાદઃ ગુજરાતાં એક સમયે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ધસારો રહેતો હતો. કાપડની મિલો ધમધોકાર ચાલુ હતી ત્યારે ટેક્સટાઈલ ફેકલ્ટીમાં ઊંચી ટકાવારીએ પ્રવેશ અટકતો હતો. ત્યારબાદ કેમિકલ બ્રાન્ચનો જમાનો હતો, ત્યારબાદ કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. મિકેનિકલ, આઈસી. ઈલેક્ટ્રિક સહિતની બ્રાન્ચોમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળ્યો છે. જે ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ સૌથી વધુ રહેતી હોય તે ફેકલ્ટીમાં પ્રવેશનો ક્રેઝ વધુ રહેતો હોય છે. છેલ્લા એક દશકામાં એન્જિનિયરિંગની ડિગ્રી-ડિપ્લોમાની ઢગલાબંધ ખાનગી કોલેજો ઊભી થઈ ગઈ છે. અને બેઠકોમાં પણ અનેકગણો વધારો થયો છે. આમ માગ કરતા પુરવઠો વધી જવાથી નોકરીની તક ઘટી જતાં હવે ઈજનેરી પ્રવેશનો પહેલા જેવો ક્રેઝ રહ્યો નથી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી)ની ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં છેલ્લા પાંચ વર્ષથી 40થી 45 ટકા બેઠકો ખાલી રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયરોની માગની સામે ડિપ્લોમા ઈજનેરીની કુલ બેઠકોનું પ્રમાણ વધારે હોવાથી ડિપ્લામાની પદવી મેળવ્યા બાદ બધા વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. તેથી વિદ્યાર્થીઓમાં ડિપ્લોમાનો પ્રવેશનો ક્રેઝ ઘટ્યો છે.જેથી સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની ખાલી રહેલી બેઠકોની સંખ્યા 25થી 30 ટકાની આસપાસ જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં 50 ટકા જેટલી બેઠકો ખાલી રહે છે. આ વખતે સૌથી વધુ કમ્પ્યુટર, આઈટી, આઈસીટી, કેમિકલ બ્રાન્ચની બેઠકો ભરાઈ હતી. તેની સામે સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક સહિતની બ્રાન્ચોની બેઠકો ખાલી રહી હતી. આ વખતે મોટાભાગના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર, આઈટી સહિતની ઈમર્જિંગ બ્રાન્ચ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ભારે રસ દાખવ્યો હતો. જ્યારે સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક, ઈલેકટ્રિકલ, ઈસી, ટેક્સટાઈલ, બાયો મેડિકલ સહિતની બ્રાન્ચમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓછો રસ દાખવ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2022-23 માટે રાજ્યની 145 ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની 68,161 સીટોની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 41147 બેઠકો ભરાઈ હતી, જ્યારે 27014 બેઠકો ખાલી રહી હતી. ખાનગી કોલેજોના સંચાલકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી કમ્પ્યુટર આઇટી સહિતની ઇર્મજિંગ બ્રાન્ચમાં સારા પગારની નોકરીની તકો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય બ્રાન્ચમાં વિદ્યાર્થીઓનો ઓછો ધસારો છે. વર્તમાન સમયમાં ઈન્ડસ્ટ્રિઝમાં જે વાસ્તવિક એન્જિનિયરની ડિમાન્ડ છે, તેની સામે ઉપલબ્ધ બેઠકોનુ પ્રમાણ વધારે છે.આમ ડિમાન્ડ સામે સપ્લાય વધારે હોવાથી બેઠકો ખાલી રહે છે. શહેરી વિસ્તાર ઉપરાંત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર, નાના ટાઉન-તાલુકા પ્લેસના વિદ્યાર્થીઓમાં પણ શહેરી વિસ્તારની કોલેજોમાં એડમિશન લેવાનુ વલણ વધારે જોવા મળ્યું છે. જેના કારણે કેટલીક ગ્રામ્ય- તાલુકા કક્ષાની કોલેજોમાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા ન હોવાથી બેઠકો ખાલી રહે છે.