Site icon Revoi.in

ઈજનેરી કોલેજોના અધ્યાપકોની લડત દિવાળી બાદ વેગ પકડશે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનું પોતાના પડતર પર્શનોના ઉકેલ માટે મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે, છતાંયે પડતર પ્રશ્નો ન ઉકેલાતા હવે દિવાળી બાદ લડતને વેગ આપવાનો અધ્યાપક મંડળે નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધ્યાપક પોતાના અધિકાર માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના મેસેજ/પોસ્ટર/સૂત્રો મુકશે. જેમાં તમામ સરકારી કાર્યક્રમ તેમજ તમામ પ્રકારની બિનશૈક્ષણિક કામગીરીનો બહીષ્કાર કરશે. દિવાળી તહેવાર દરમિયાન પણ રંગોળી તેમજ અન્ય માધ્યમોથી પડતર પ્રશ્નો અંગે અવાજ ઉઠાવશે.

અધ્યાપક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, જેને લઇને આંદોલન ચાલી રહ્યું છે જે દિવાળી બાદ પણ ચાલુ રહેશે. અધ્યાપકોએ પડતર પ્રશ્નો બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે. સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત માટે અધ્યાપક મંડળના હોદ્દેદારો સાથે અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં તા.28 જાન્યુઆરી 2022ના રોજ રજૂઆત અન્વયે થયેલી ચર્ચામાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓ વચ્ચે જરૂરી સહમતી દર્શાવી હતી. અને 10 ઓક્ટોબર 2022ના રોજ થયેલી ચર્ચામાં પ્રશ્નોનું સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવા તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા બાંહેધરી આપેલી હતી, પરંતુ આ વાતને 1 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અધ્યાપક મંડળના હોદ્દેદારોએ કમિશનર, શિક્ષણ વિભાગના અભિગમ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ દાખવી, 15 ઓક્ટોબર 2023 સુધી આંદોલન સ્થગિત કરવા જાહેરાત કરી હતી. 04 સપ્ટેમ્બર 2023ના રોજ શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકાતમાં તેઓએ પણ વિધાનસભાના વિશેષ સત્ર બાદ તેઓની અધ્યક્ષતામાં ટેકનીકલ શિક્ષણ, શિક્ષણ વિભાગ તેમજ નાણાં વિભાગના સક્ષમ અધિકારીઓ અને અધ્યાપક મંડળનાં હોદેદારોની હાજરીમાં મિટિંગનું આયોજન કરવા સહમતી દર્શાવી પરંતુ, ત્યારબાદ 1 મહિના જેટલો સમય વીત્યા બાદ પણ આ અંગે કોઈ જ કાર્યવાહી થયેલ નથી.ત્યારબાદ તા. 23 ઓક્ટોબર 2023ના રોજ મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતમાં પડતર પ્રશ્નો અંગે સંવેદના દાખવી સમયમર્યાદામાં નિરાકરણ હેતુ શિક્ષણ વિભાગને સ્પષ્ટ સૂચના આપેલી. જાન્યુઆરી 2022, ઓક્ટોબર 2022, ઓગસ્ટ 2023 તેમજ સપ્ટેમ્બર 2023 એમ વારંવાર બાહેંધરી મળ્યા બાદ પણ પ્રશ્નોનો સુખદ ઉકેલ ન આવતા તમામ અધ્યાપકોમાં છેતરામણી, ભેદભાવ, અન્યાય, શોષણ, રોષ તેમજ નિરાશા પ્રવર્તી રહેલી છે. આથી દિવાળી બાદ લડતને વેગ આપવામાં આવશે. આગામી તા. 30 નવેમ્બરે વડી કચેરીના દરવાજા આગળ મૌન ધરણા
દરેક કોલેજમાંથી અધ્યાપક બેનર/પોસ્ટર સાથે ટેકનિકલ શિક્ષણની વડી કચેરીના દરવાજા આગળ મૌન ધરણા કરશે. ત્યારબાદ  1 ડિસેમ્બરથી પરીક્ષા વિષયક કામગીરીનો બહિષ્કાર કરાશે. તમામ અધ્યાપક પરીક્ષા વિષયક કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. તા. 1 જાન્યુઆરી 2024થી શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરાશે. તમામ અધ્યાપક તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. ત્યારબાદ 15 મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતના ઉપવાસ કરાશે. (File photo)